મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મેળાએ એવો પ્રભાવ ઉભો કર્યો છે કે વચેટીયાની ૬૦ વર્ષ જૂની દુકાનો બંધ થઇ ગઇ છે અને એનાથી ગરીબોમાં નવી શકિત આવી છે પરંતુ દલાલોને સહાય કરનારા સાથીદારોની અકળામણ વધતી જાય છે અને તેથી પાછલા બારણે રાજકારણના ખેલ ખેલવા ભેગા થઇ ગયા છે.
“પરંતુ અમારો રસ્તો સ્પષ્ટ છે. ગરીબના જીવનમાં બદલાવ લાવવો છે. આજ સુધી ભલે કોઇને સૂઝયું નહોતું. અમે અભિયાન ઉપાડયું છે. મારી વારંવાર ટીકા કરનારાને આ જ ખૂંચે છે” એમ તેમણે આજે મહેસાણાના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના ગરીબોને માટે સશકિતકરણનું માધ્યમ બની રહેલો ગરીબ કલ્યાણ મેળો આજે મહેસાણમાં યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના આ બીજા તબક્કામાં મહેસાણા, વિજાપુર, કડી અને બેચરાજી તાલુકાના ૪૩૦૦૦થી અધિક લાભાર્થીઓના હાથમાં રૂા. પ૦ કરોડના સાધન-સહાય આપવા મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં બંને ગરીબ કલ્યાણ મેળામાં મળીને કુલ ૮પ૦૦૦ ગરીબ પરિવારોને રૂા. ૯૪ કરોડની યોજના સહાય આપીને ગરીબી રેખાથી ઉપર આવવાના અવસર પ્રાપ્ત થયા છે.
ગરીબ કલ્યાણ મેળાના સાર્વત્રિક પ્રભાવથી વચેટીયાઓ અને તેના સાગરિતોની ૬૦ વર્ષથી ચાલતી દુકાનો બંધ થઇ જતાં તેમનામાં એવી અકળામણ થઇ રહી છે કે આ બધા ભેગા મળીને જૂઠાણાં ફેલાવી રહ્યા છે. એને મદદ કરનારા લોકો પણ પાછલા બારણે ખેલ ખેલી રહ્યા છે પણ આ સરકાર ગરીબી સામેની લડાઇના અભિયાનને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે કારણ ગરીબોના જીવનમાં બદલાવનો આ જ સાચો રસ્તો છે અને ગરીબો ઉપર પણ તેમને પૂરો ભરોસો છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
“ગરીબ જીવતો જાગતો માનવી છે અને તેના સપનાં, અરમાનો સંવેદનાઓની અનુભૂતિ સરકાર અને સમાજને આ ગરીબ કલ્યાણ મેળાએ કરાવી છે તેની સાથે સાથે ગરીબ પરિવારોમાં પણ એવો વિશ્વાસ ઉભો થયો છે કે આ સરકારે જે અભિયાન ઉપાડયું છે તેનાથી ગરીબીમાંથી બહાર આવી શકાશે” એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિર્ધારપૂર્વક ગરીબી સામેની લડાઇની ભૂમિકા આપતા જણાવ્યું હતું.
ગરીબી કોઠે પડી ગયેલી સમસ્યા છે-એવા સાર્વત્રિક નિરાશાના વાતાવરણમાં ગુજરાત સરકારે ગરીબી સામે જંગ છેડયો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વિનાશક ભૂકંપ પછીનું નવસર્જન, દુષ્કાળગ્રસ્ત પ્રદેશોની પાણીની સમસ્યાનો નર્મદા અને સુજલામ્ સુફલામ્ યોજના દ્વારા કાયમી ઉકેલ અને ગામે-ગામ ર૪ કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજના જેવો સપનામાંય કલ્પેલો નહીં તેવો પુરૂષાર્થ કરીને અશકય લાગતી સ્થિતિમાં બદલાવ લાવવાની ક્ષમતા ગુજરાતે બતાવી છે તો આપણે શું ગરીબી દૂર નહીં કરી શકીએ? તેની વિસ્તૃત વિગતો આપી હતી.
આ સરકાર ગરીબોની પડખે જીવનના હરેક તબક્કે ખભેખભા મિલાવીને ઉભી છે ત્યારે ગરીબ લાભાર્થી હવે ગરીબીનો વારસો પોતાના સંતાનને આપશે નહીં તેવો સંકલ્પ કરીને ગરીબી સામે લડવા સૈનિક બને એવો અનુરોધ તેમણે કર્યો હતો.
તેમણે જણાવ્યું કે બી.પી.એલ.ના ખોટા લાભાર્થી સાચા હક્કદાર ગરીબનું છીનવી લે છે. આ સરકારે બી.પી.એલ.ની માનસિકતામાં બદલાવ લાવવાનું પણ આ ગરીબ મેળા થકી અભિયાન ઉપાડયું છે.
એક તરફ ચારેકોર બી.પી.એલ. કાર્ડ મેળવી લેવાની હોડ ચાલે છે ત્યારે ગરીબ કલ્યાણ મેળામાંથી સાધન-લાભો મેળવનારા ગરીબ લાભાર્થીઓ સામે ચાલીને બી.પી.એલ. કુટુંબની યાદીમાંથી બહાર આવવા માટે સરકાર ઋણસ્વીકાર કરીને, બી.પી.એલ. ફેમિલીનું કલંક માથેથી ભૂંસી નાંખવાની લેખિત જાહેરાતો કરતા છે. જિલ્લે-જિલ્લે ગરીબ લાભાર્થીઓના જીવનમાં ગરીબ કલ્યાણ મેળાના પ્રભાવથી એવો બદલાવ આવ્યો છે કે હવે ગરીબને ગરીબીમાં જીવવું નથી એવી આશાનો સંચાર જાગ્યો છે.
ગરીબ કલ્યાણ મેળા એ વચેટીયા નાબૂદી મેળા છે અને ગરીબોને લૂંટનારાની દુકાનો બંધ કરી દીધી છે એ જ આ સરકારના અભિયાનની ફલશ્રુતિ છે અને હવે ગરીબોને દેવાં અને વ્યાજના ચક્કરમાંથી છોડાવવા સવા લાખ સખીમંડળોની નારીશકિતના હાથમાં બચત અને આર્થિક પ્રવૃત્તિનું ફલક વિસ્તારીને હાલનો રૂા. ૪૦૦ કરોડનો વહીવટ વધારીને બેન્કો દ્વારા ધિરાણ અપાવી રૂા. ૧૦૦૦ કરોડ આ વર્ષે જ કરવાની નેમ રાખી છે. આ ગરીબ કુટુંબની બહેનોએ બચત કરી અને મુસિબત વખતે કુટુંબને સરળતાથી ધિરાણ આપીને હજારો ગરીબોને દેવામાંથી ઉગાર્યા છે. સખીમંડળોની બહેનોએ જે રીતે આર્થિક પ્રવૃત્તિઓ ઉપાડીને પોતાની શકિત પૂરવાર કર્યું છે અને માતૃશકિત લક્ષ્મીનું રૂપ છે તેના હાથમાં પૈસો ઉગી નીકળશે એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબોને કુટેવો છોડવાની સીધા સંવાદની શૈલીમાં અપીલ કરતાં જણાવ્યું કે પ્રત્યેક લાભાર્થી અહીંથી એક કુટેવ છોડીને જાય. આ કુટેવ છોડવા માટેની ભીક્ષા-યાચના સાથે તેમણે ગરીબ સમૂદાયને બે હાથ ઊંચા કરાવી સમૂહ સંકલ્પ લેવડાવ્યો હતો.
શિક્ષણ મંત્રીશ્રી મહેસાણા જિલ્લા પ્રભારી રમણલાલ વોરાએ ગરીબ કલ્યાણ મેળાની શૃંખલાના માધ્યમથી ગરીબ પરિવારોને સહાયિત લાભો હાથોહાથ પહોંચાડવાના અભિગમને સમગ્ર દેશમાં ગરીબી નિવારણનું અનોખું પગલું ગણાવી સમાજના ગરીબ અને વંચિત પરિવારોને વિવિધ સહાય-સાધન પૂરી પાડીને તેમના ઉત્થાનનો આ ૩૯મો યજ્ઞ મુખ્યમંત્રીશ્રીએ સંપન્ન કર્યો છે, તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
જળસંપત્તિ અને શહેરીવિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં વિકાસના ચાવીરૂપ ઉઘોગ, ખેતી, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રે હાંસલ કરેલા સર્વાંગી વિકાસનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાને પણ તેનો વિશેષ લાભ થયો છે. સમાજના તમામ વર્ગોના ઉત્કર્ષ માટેના પગલાં લેવાયા છે અને ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબ અને પછાત વર્ગોને વિવિધ યોજનાઓ હેઠળ આવરી તેમની સુખાકારી અને સમૃદ્ધિનો રાહ સરકારે અપનાવ્યો છે. સુજલામ્ સુફલામ્ યોજનાના અમલ દ્વારા સિંચાઇનો લાખો ખેડૂતોને લાભ અપાયો છે જેનાથી કૃષિને મોટો ફાયદો થયો છે.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી અજય ભાદુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, રાજય મંત્રીશ્રી પરબતભાઇ પટેલ, શ્રી જયસિંહ ચૌહાણ, સાંસદ સર્વશ્રી જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી જયંતિલાલ બારોટ, શ્રી પૂંજાજી ઠાકોર, ધારાસભ્યો સર્વશ્રી અનિલભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્યશ્રી કાન્તિભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય જશોદાબેન પરમાર, દુધ સાગર ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઇ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રમણભાઇ પટેલ, પ્રભારી સચિવશ્રી સુનયના તોમર, પૂર્વ મંત્રીશ્રીઓ ખોડાભાઇ પટેલ, જિલ્લાના આગેવાનો લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.