મિત્રો,
આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ અનેક નવી આશાઓ લઈને આવ્યો. વિધાનસભા અને લોકસભામાં ૩૩% મહિલા આરક્ષણની વાત ફરી એકવાર Vote Bankની રાજનીતિનો શિકાર બનતી દેખાય છે.
એશિયાના દેશો, ઘણું કરીને ભારતીય સંસ્કૃતિથી વધતા ઓછા પ્રમાણમાં પ્રભાવિત રહ્યા છે. બંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા જેવા દેશો પોતાના દેશના વડા તરીકે મહિલાને સ્વીકારે એ ખૂબજ સહજ બાબત છે. ઇતિહાસ તેનો સાક્ષી છે.
બીજી બાજુ દુનિયાને ઉપદેશ આપવાનો જેઓ પોતાનો અધિકાર સમજે છે. અને સ્ત્રી સ્વાતંત્ર્યના ઝંડાધારી તરીકે પોતાને ઘણા પ્રગતિશીલ કહેવડાવે છે એવા પશ્ચિમના ઘણા દેશો છે જે ર૧ સદીમાં પણ મહિલાને રાષ્ટ્રના વડા તરીકે સ્વીકારવા તૈયાર નથી. વળી, અમેરિકા જેવા કહેવાતા ખૂબ પ્રગતિશીલ દેશમાં જ્યાં લોકશાહીની સ્થાપના ૧૭૭૬માં થઈ હતી, ત્યાં મહિલાઓને મતદાનનો અધિકાર મેળવવા માટે ૧૫૦ વર્ષ કરતાં લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડયો, શહાદત વહોરવી પડી, યાતનાઓ સહેવી પડી. ત્યારે ૧૯૨૦માં મહિલાઓને મતદાનનો અધિકાર મળ્યો. અમેરિકામાં ૧૫૦ વર્ષ સુધી માત્ર પુરુષો જ મતદાનનો અધિકાર ભોગવતા રહ્યા.
વિકાસની હરણફાળનો આ યુગ છે. નારીશકિતની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો આ યુગ છે.
આપણે ગુજરાતમાં નારી સશકિતકરણ માટે ઘણી પ્રગતિશીલ પહેલ કરી છે. અને તેનાં સુફળ પણ જોવા મળી રહ્યાં છે.
આ સાથેની LINK પર જઈ આપ ગુજરાતે નારીશકિતના સશકિતરણ માટે લીધેલાં પગલાંનો વિસ્તારથી અભ્યાસ કરી શકો છો. નારી સશક્તિકરણ - અનેકવિધ પહેલ - ગુજરાત મોડેલ
હા, ગુજરાતના ગામડાના પુરુષ મનની વાત આપને જણાવતાં ગર્વ થાય છે. ગુજરાતમાં પ૦ કરતાં વધુ ગામ એવાં છે જયાંના પુરુષોએ પંચાયતમાં બધીજ સ્ત્રીઓને ચૂંટીને મોકલી છે. એક પણ પુરુષે ઉમેદવારી શુધ્ધાં કરી નથી, અને ગામનો સંપૂર્ણ વહીવટ સ્ત્રીઓના હાથમાં સુપ્રત કર્યો છે.ગુજરાતના આ નક્કર પ્રયાસ અને નાવિન્યપૂર્ણ પહેલની ઝલક પણ આપને LINK પરથી મળી જશે.
તો... મળતાં રહેશું.
વાતો કરતા રહેશું.


